15 - મરવા પડેલા મનને તું મારીને ચાલ મન / ચિનુ મોદી


મરવા પડેલા મનને તું મારીને ચાલ મન
આ સ્પર્શનો દરિયો છે, ઉલ્લંઘીને ચાલ મન.

સપના વગરની આંખનો વિશ્વાસ છો કરે
આંસુ વગરની આંખથી ચેતીને ચાલ મન.

ખરતા બરફને સૂર્ય પણ રોકી શક્યો નહીં
એનાં સ્મરણનો દેશ છે, ફૂંકીને ચાલ મન.

સમઝણ પડે જો ઝટ તો ખુલાસો તું પૂછજે
ચ્હેરા નહીં તો આઇના ભૂંસીને ચાલ મન.

આ શહેરમાં ‘ઇર્શાદ’ નામે એક દ્રીપ છે
ભીના પગે તું જાળવી સમજીને ચાલ મન.


0 comments


Leave comment