1.14.5 - જીવનવિલય / રાજેન્દ્ર શાહ


અવ હૃદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય :
અહીં નહિ હવે સંકલ્પો ને નહીં કંઈ વૃત્તિ યે,
તદપિ મુજ કર્મોની પેલી પ્રફુલ્લિત સૃષ્ટિ તે
ચહુ દિશ થકી ગર્જે આદ્યંત જીવનનો જય.

શબદ ઉપન્યો તેવો જોકે શમે, પણ એહના
અસીમિત જગે વ્યાપી રે’છે અનંત પ્રતિધ્વનિ:
નહિવત બની રે'તું માટી મહીં, પણ બીજની
તરુવરતણાં પર્ણે કેવી રમે શત એષણા !

જીવનનું જરા આધે રૈ'ને કરું અહીં દર્શન,
ઉગમ નહિ વા ન્યાળું કોના ય તે વળી અંતને
રૂપની રમણા માંહી કોઈ ચિરંતન તત્વને
નિરખું, નિજ આનંદે રે'તું ધરી પરિવર્તન.

ગહન નિધિ હું, મોજું યે હું, વળી ઘનવર્ષણ,
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.


0 comments


Leave comment