1.21 - વય સંધિકાલ / રાજેન્દ્ર શાહ


પ્રિય ! તવ વય સંધિકાલ.
ક્ષિતિજને મધુવને ઊડે છે ગુલાલ,
સંમોહિત ઉરે મુજ પ્રગટે છે વહાલ.

તું ન કલિ,
નહિ ફૂલ દલ દલ ફુલ્લ.
આધેક તે નિમીલિત દૃગ જેવું મનોહર
પ્રિય ! તું તો અર્ધ વિકસિત છો મુકુલ.

તવ રૂપ રંગ તણી ઝલમલ જયોતિ પર
નેણ મારાં ઝૂકી જાય છે સલભ સમ,
તવ મધુ ગંધ તણા અકલિત અમલથી
મૂરછિત બની ઢળી જાય મુજ મન.
જલના સુનીલ નીચોલની આછી લ્હેર મહીં
સોહે તું મૃણાલ,
પ્રાણનો મધુપ મારો તારી ચહુઓર ભમે
આનંદ ગુંજન કરી સાંજ ને સકાલ.
હે ચંચલ !
લોચન મીંચો ન,
આણો નહિ મુખ પર અવગુંઠન અંચલ.
સલજ શી તારી મુસકાન !
સાન થકી જાણે મને કરે છે સભાન.
જાણે કહે,
“તું છો આંહીં ઘરમાંહિ. બંધ કરી દ્વાર
તવ સંગ, એકાન્તે હું.
વાસર પ્રદીપ તેજે ખેલું છું વિહાર.”
આનંદ હિલ્લોળે મારાં તંદ્રિત નયન
નીરખી રહે છે મુદમય કો સ્વપન !


0 comments


Leave comment