6.3 - ફુલ તુમ ગુલાબ કા, ક્યા જવાબ આપકા ? / જ્વલંત છાયા


મુંબઈ અને વડોદરાની કૉલેજ લાઇફના પગલે હવે સૌરાષ્ટ્રમાં પણ કૉલેજિયન યુવક-યુવતીઓ રોઝ-ડે ઊજવાતા થયા છે, રોઝ-ડે એટલે બધાએ તે દિવસે જુદા જુદા રંગના ગુલાબ લઈને કૉલેજ જવાનું અને પછી પોતાને ગમતી છોકરી કે છોકરાને તે આપવાનું. દરેક ગુલાબના રંગ સાથે કઈ લાગણી વ્યક્ત કરવાની છે તે સાંકેતિક રીતે જોડાયેલું હોય છે, આ પ્રથા ઈંગ્લૅન્ડના વિક્ટોરિયન યુગમાંથી આવી છે. એ સમયે ગુલાબને સંદેશાવાહક માધ્યમ બનાવાયું હતું. અને કોઈ છોકરો લાલ ગુલાબ છોકરીને આપે તો તે પ્રેમની દરખાસ્ત ગણાતી તેની સામે છોકરી પીળું ગુલાબ આપે તો છોકરાની વફાદારી પર છોકરીને સંશય છે તેવો અર્થ થતો, સફેદ ફૂલ આપીને છોકરી એવું કહેતી કે પોતે પ્રેમ કરવા માટે નાની છે વગેરે... અત્યારે પણ પ્રેમ ફ્રૅન્ડશીપ વગેરે માટે જુદા જુદા રંગનાં ફૂલોનો ઉપયોગ થાય છે. જોવું ગમે, સૂંઘવું તેનાથી પણ વધારે ગમે, રાખવું તેનાથી પણ વધારે ગમે અને કોઈ ગમતું હોય તેને આપેલું એથીય વધુ ગમે તેવા ગુલાબની ઘણી ઘણી એવી વાતો છે જે વાંચવી ગમે.

ભગવાનની મૂર્તિ પાસે મુકાતાં મહાનુભાવને આપતા બુકેમાં કે છોકરીનાં અંબોડે શોભતા ગુલાબનાં સૌંદર્ય તો સ્વાભાવિક રીતે જ અજોડ છે અને એય પાછું અવનવા રંગોમાં વિસ્તરેલું છે પરંતુ આ ગુલાબનો ઇતિહાસ પણ એવો જ રસપ્રદ, સુગંધિત અને જગતના ખૂણે ખૂણે ફેલાયેલો છે. ગુલાબ આમ ફારસી શબ્દ છે અને તેનો અર્થ થાય છે ફૂલનું પાણી. એટલે ફૂલ અને આબ એટલે પાણી (પેજ આબ એટલે પાંચ નદીનું પાણી) ઘણા કહે છે. ગુલાબ જળ છાંટ્યું તેમાં પાણી શબ્દ બે વખત આવી જાય છે પરંતુ આપણે અ ગુલાબને વિવેચનની નહીં પરંતુ વિસ્મયની દ્રષ્ટિથી જોવા ટેવાયેલા છીએ અને વિસ્મય નામે તેટલે જાણકારી પછી વિસ્મય જ રહે છે !

ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકારે તેમજ લેખકોના લેખક કહી શકાય તેવા સુરેશ જોશીનો એક લઘુનિબંધ વાંચ્યો હતો, તેનું શીર્ષક હતું ગુલાબ. ત્રણ પંક્તિનું હાઈકુ, શબ્દો. પ્રતીકો અને ભાષા વૈભવની વિરાસતના માલિક સુરેશ જોશીએ લખ્યું હતું. સવારે બારીમાંથી જોયું તો ત્રણ ગુલાબ ખીલી ઉઠ્યા હતા, જાણે ત્રણ પંક્તિનું હાઈકુ ! એનું ખીલવું આશ્ચર્યજનક ઘટના છે. એ અકળ રીતે, કશી ઘોષણા કર્યા વગર ખીલે છે, એનાં ખીલવામાં સૂર્યોદયની રહસ્યમય નિસ્તબ્ધતા હોય છે...
‘ગુલાબ આમ તો નર્યું ન લાગે છતાં એ કેવું મુલાયમ અરછાદન છે !’ કોઈ વાર ઘણી બધી આંગળીઓનાં ટેરવાં ભેગાં થયા હોય તેવું લાગે છે.... તો કોઈવાર રિલ્કેને દેખાયું હતું તેવું આંખોનાં બંધ પોપચાં જેવું લાગે છે. કોઈવાર વાતાવરણમાં એકાએક પ્રગટી ઊઠેલા સૌંદર્યનાં બુંદબુંદ જેવું લાગે પણ છે.

આ તો થઈ ગુલાબ વિશેની સાહિત્યિક મૂડની વાત, જે ગુલાબને કવિઓએ, ઉમેરાવોએ, પ્રેમીઓને શિરસ્ત કર્યું છે તેના વિશે સંશોધકોએ પણ ઓછું કામ નથી કર્યું.

પુષ્પપ્રેમીઓ અને અભ્યાસુઓનાં તારણ એવું કહે છે કે ગુલાબનું જન્મ સ્થાન મધ્ય એશિયા છે, અમેરિકાના કોલોરાડો અને ઓરેગન જેવાં રાજ્યોના અશ્મિ સંશોધકોએ કરેલા સંશોધન દરમ્યાન તેઓને ગુલાબના અશ્મિઓ પણ મળી આવ્યા હતા અને ઉપરથી એવા અંદાજ-અનુમાન માંડવામાં આવે છે કે તે વિસ્તારમાં ૪ કરોડ વર્ષ પૂર્વે પણ ગુલાબ અત્યારે તો બધે જોવા મળે છે. પુષ્પ પ્રેમીઓએ તેનું લાલનપાલન કરીને તેને ઉછેર્યા છે, બરફથી આરછાદિત વિસ્તારો કે પછી રણમાં પણ ગુલાબ ઊગે છે.

ગુલાબનો ઉછેર ઘણો અઘરો છે. આજે સૌરાષ્ટ્રનાં ઘણાં શહેરોમાં ગુલાબનો ઉછેર થતો આપણે જોઈએ છીએ, નર્સરીમાં તેની કલમો છે પરંતુ ગુલાબનો વ્યવસ્થિત ખંડ શરૂ કર્યો ચીનની પ્રજાએ. ગુલાબની સૌ પ્રથમ વખત ક્યારીઓ ચીનમાં ૫ હજાર વર્ષ પૂર્વે બની હતી, આજેય ચીનમાં જુદા જુદા પ્રસંગો પર ફૂલોમાં ગુલાબનું મહત્વ અનેરું છે.

પ્રકૃત્તિની દરેક બાબતને જેમ તેની પોતાની વિશેષતા છે તેમ ગુલાબની પણ ખાસિયતો ઓછી નથી. ઉનાળો શરૂ થયો છે તેમ રોઝ પેટલ્સ નામનો એક આઇસ્ક્રીમ કદાચ ખાતા હશો, પેટલ્સ એટલે પાંદડીઓ. ગુલાબની પાંદડીઓની વિશેષતા એ છે કે તે હંમેશા પાંચના ગુણાંકમાં હોય છે, ગુલાબની કળી જયારે ફૂલ બને ત્યારે ચાર કે છ પાંદડી ક્યારેય ન હોય, તેની પાંદડી કાં તો પાંચ હોય, દસ હોય કે પંદર કે વીસ કે પીસ્તાલીસ. તેવું વનસ્પતિવિદ ડૉ. હાપલિયા કહે છે. ડૉ. હાપલિયાએ બીજાં ફૂલ પરના સંશોધનાત્મક નિબંધ તેણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આપ્યો હતો જેમાં ગુલાબની રસાળ વિગતો છે.

આપણે ગુલાબને લાલરંગે જોયું છે. ક્રીમ, પીળા, સફેદ અને ગુલાબી (પીન્ક) રંગ જોયું છે, ચંડીગઢ ગયા હો તો ત્યાં ભવ્ય રોઝ ગાર્ડન છે તેમાં ૨૦૦થી વધારે જાતનાં ગુલાબ છે, દિલ્હીના મોગલ ગાર્ડનમાં વિશ્વમાં અનેક સ્થળે થતા ગુલાબની કલમો લાવી ગુલાબ ઉગાડવામાં આવ્યા છે, ગુલાબ એ ફૂલ છે. તેની જાતો ઘણી છે, અમેરિકન હેરીટેજ, મોલૅજ, મેડાલિયન, બુકનિયર, ડેડડેવિસ, બોસ ફારોદ, એન્જલ ક્રેસ, આઈસ બર્ગ, સારગોટા, બ્રોટી પ્રાપર, ફૅશન અને ગોલ્ડકપ અને મોટા કદના ગુલાબ ચેરીરલો, ગિપ્રિન્સેસ અને એકવેરી અને લકીલેડી અને જોન ઝૂમાં અને... આ ગુલાબની જાતોનો સરવાળો થાય છે ૧૪ હજાર હજી વિશ્વના દરેક દેશમાં સમયાંતરે ગુલાબનું અનેરું મહત્વ રહ્યું છે. અને તેને ઉગાડવાની પધ્ધતિઓ પણ દરેક દેશમાં વાતાવરણને અનુલક્ષીને બદલાય છે. ભારતમાં ડિસેમ્બરથી માર્ચ દરમ્યાન ગુલાબ ઉછેરવાની પ્રવૃત્તિમાં કુદરત સહાય કરે છે. પ્રેમ કે શુભેચ્છાની આ અભિવ્યક્તિ માટે તો ગુલાબના ઉપયોગ થાય જ છે પરંતુ તેના કેટલાક બીજા ઉપયોગ પણ છે, માણસને શરીરની આંતરિક ગરમી હોય કે પછી પાચનની સમસ્યા કે રક્ત વિકારની મુશ્કેલી હોય તો ગુલાબની પાંદડીઓમાંથી બનેલું ગુલકંદ અકસીર પરિણામ આપતું હોવાનું પણ સંશોધકોએ નોંધ્યું છે, ગુલાબમાં વિટામિન સી હોય છે અને ઈંગ્લૅન્ડ તથા અમેરિકામાં ગુલાબના અથાણા પણ થાય છે.

ડૉ. કે. ડી હાપલિયાએ જે સંશોધનાત્મક નિબંધ યુનિવર્સિટીને આપ્યો હતો તેમાં નોંધ છે કે ગુલાબને પ્રાચીન ચિકિત્સા પધ્ધતિમાં પણ સ્થાન મળ્યું છે. મોઢું આવી ગયું હોય ત્યારે ગુલાબની પાંદડી ચાવવાની સલાહ આપવામાં આવતી અને સાંધાના દુખાવા માટે પણ સાદીગુલાબની પાંદડીઓનો ઉપયોગ સાચવવામાં આવતો. આવી તો અનેક વાતો આપણા માનીતા ગુલાબની આસપાસ ભમરાઓની જેમ વીંટળાયેલી છે.

અમેરિકામાં તો એક સંસ્થા ચાલે છે તેનું નામ છે અમેરિકન રોઝ સોસાયટી. તેના ૨૪ હજાર સભ્યો હતા, મોટા ભાગના સભ્ય પોતાનાં ઘરે બગીચો ધરાવે છે અને તેમાં જાત જાતનાં ગુલાબ તેઓએ ઉછેર્યા છે, આમાંના ઘણા તો કન્સલ્ટિંગ રાઝેરિયન્સ એટલે નિષ્ણાંત ગુલાબવિદો અને ગુલાબ સલાહકારો છે. અમેરિકા ઉપક્રમે પ્રવચનો, પ્રદર્શનો, પુષ્પ મેળાઓ યોજાતા રહે છે. ગુલાબ અંગેની માહિતીવાળા લેખ તેમજ અન્ય બાબતો પ્રકાશિત કરતું એક મૅગેઝિન આ એ.આર.એસ, સંસ્થા બહાર પાડતી, અમેરિકાના શેર્વપોર્ટ લુસિયાના ખાતે આ આસંસ્થાનું હેડ ક્વાર્ટર છે અને ત્યાં જુદી જુદી ૪૦૦ જાતનાં ૨૦ હજાર ગુલાબોની નયનરમ્ય ચાદર છે, ગુલાબો ત્યાં ઉછેરવામાં, ઉગાડવામાં આવ્યા છે.

બોલો, ફૂટપાથ પરથી પાંચ કે દસ રૂપિયામાં જે ખરીદીએ છીએ અને માળી કે ચોકીદારનું ધ્યાન ન હોય તો શહેરનાં બગીચામાંથી તોડીએ છીએ તે ગુલાબના આવા માનપાન છે. આખાય વિશ્વમાં અને ગુલાબનો મહિમા કંઈ આજનો થોડો છે. મોગલ બાદશાહો ગુલાબનું ફૂલ હાથમાં રાખવાથી માંડીને તેમની મલ્લિકાઓને ગુલાબની પાંદડીવાળા કુંડમાં નવડાંવવા સુધીનો અને મહેમાન નવાઝી માટે ગુલાબના શાહી શરબતનો ઉપયોગ કરતાં. રોમન પ્રજા તો ગુલાબની આયાત કરીને યોધ્ધાઓને ગુલાબથી નવાજતી, જો કે ઓછા ટ્રાન્સપોર્ટેશનની સગવડમાં ગુલાબ તાજા કઈ રીતે રહેતાં હશે તે તો છાતીમાં ગોળી વાગવા છતાં હિન્દી ફિલ્મનો હીરો કેમ જીવતો રહે છે તેના જેવો જ રહસ્યવાળો સવાલ છે, ઈટાલીમાં ગુલાબની વાડીઓ હતી પોતાનાં ફીડલવાદન માટે જાણીતા સમ્રાટ નિરોએ એક જ રાતની મહેફિલ માટે લાખો રૂપિયાની કિંમત થાય તેવા ફૂલ મંગાવ્યા હતા.

સૌંદર્ય સામ્રાજ્ઞી ક્લીઓપેટ્રાને ગુલાબની પાંદડીઓની પથારીમાં સૂવાની સુંવાળી આદત હતી નૂરજહાને પણ ગુલાબ ગમતા અને ઇતિહાસમાં થોડાં નજીક આવીએ તો જવાહરલાલ નેહરુનો ફોટો કે પૂતળું કબૂતર અને ગુલાબ વગર નજરે નહીં પડે. પંડિતજીને કુદરતના બે કરિશ્મા પસંદ હતા, ગુલાબ અને બાળક ! આ જ ગુલાબ કોઈને સન્માન માટે પણ અપાય છે અને કોઈ શબ પર પણ ચડે છે.

આ ગુલાબની અનેકાનેક ખાસિયતો છે. ફાયદા છે, રમ્યતા અને સૌમ્યતા છે, ફરી સુરેશ જોષીને યાદ કરીએ તો ગુલાબ ખીલીને આપણી આંખોને પણ ખીલવે છે. કોઈવાર એ અકાળે ભાંગી ગયેલી નિંદ્રાનું ટુકડા જેવું દેખાય છે. બધું સાચું પણ આખરે ગુલાબ એ ગુલાબ છે !


0 comments


Leave comment