22 - રોજ સપનામાં તને લાગે તરસ / ચિનુ મોદી


રોજ સપનામાં તને લાગે તરસ
રોજ પાણી માટે ખેંચું હું પણછ.

આ સમય સંભારણાંનો લાગતો
પારદર્શક કાચનાં પ્હેરો કવચ.

બારણાં ઘરનાં ખૂલે તો જોઉં ને
મોહવશ છે કે નહીં રખડું પવન ?

રણ પળેપળ જાય વધતું એ છતાં
મોર ત્રોફાવ્યા નહીં કાંડા ઉપર ?

મેં કહ્યું, : ‘ઇર્શાદ’ – તો એણે કહ્યું :
‘ઓ હિમાલય ! ક્યાં ગયો તારો બરફ ?’


0 comments


Leave comment