0 - એક ગઝલ / ચિનુ મોદી


પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી ?
સ્વયં નાવ તોફાની ક્યારે હતી ?

તમાશા બતાવે બધી બારીઓ –
સડક એની પોતાની ક્યારે હતી ?

મને છોડી દેતાં તને કષ્ટ શું ?
જણસ સાવ સોનાની ક્યારે હતી ?

નદી જેમ ઊંચેથી પટકાઉં પણ
જગા કોઈ મોભાની ક્યારે હતી ?

હતા સાત પર્દા થવા રૂ-બ-રૂ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી ?


0 comments


Leave comment