48 - બંધ બારી પર પવન એમ જ પછાડા ખાય છે / ચિનુ મોદી


બંધ બારી પર પવન એમ જ પછાડા ખાય છે
જેમ સંશયગ્રસ્ત મન દર્પણમાં જોવાય છે.

હોય રણની રેત એવી છે હથેળી આ ગરમ
વાદળો સંબંધનાં ઘેરાય છે, વિખરાય છે.

જે નદીનું જળ અચાનક થાય છે કાતિલ બરફ
એ નદીનાં મૂળ તારા નામમાં શોધાય છે.

આ સડક પર પગ મૂકીને તે સડક ઓળંગતો
આ નગરમાં બે ‘ચિનુ’ છે, એવી શંકા થાય છે.

ઠીક છે ‘ઇર્શાદ’ એ એને નથી તારું સ્મરણ
કોઇ ઝાકળની નિશાની પુષ્પ પર દેખાય છે.


0 comments


Leave comment