47 - મરણબાદ ક્યારેક જોવાઈએ / ચિનુ મોદી


મરણબાદ ક્યારેક જોવાઈએ
મળી આવીએ એમ ખોવાઈએ.

સરોવર, નદી હોય ક્યારે ગહન ?
ચલો, કોઈ દરિયે પરોવાઈએ.

સરકશું, છટકશું, અટકશું નહીં
સમય જેમ છોને વગોવાઈએ.

પણછ તૂટતાં બાણ ખાલી ગયું
અમે દોડીએ ને નિચોવાઈએ.

ગઝલ આવતી હોય ‘ઇર્શાદ’ તો
ક્ષણેક્ષણ ભલેને વલોવાઈએ.


0 comments


Leave comment