54 - દ્રશ્યની આગળ હશે ને દ્રશ્યની પાછળ હશે / ચિનુ મોદી


દ્રશ્યની આગળ હશે ને દ્રશ્યની પાછળ હશે
સાત મજલાની ઇમારતને ઉપર સાંકળ હશે

આપણાં સંબંધનું એ નાનુંસૂનું ફળ હશે ?
કે ખભા પર આંધળાના જન્મલૂલી પળ હશે ?

બાર બંદરના ફરકતા વાવટા મારા ઉપર
એ છતાં મૃગજળ મને ખેંચે, એ કોનું બળ હશે ?

પાણી છે, તું સાચવીને પાડ પડછાયો અહીં
પાણી પાસે પ્હાડ તોડી નાંખવાની કળ હશે.

નર્કમાં નવરાશની એક્કેક પળની છે મઝા
નાની શ્રદ્ધાની રમત, ‘ઇર્શાદ’ ત્યાં પણ છળ હશે.


0 comments


Leave comment