28 - ઉજાસમાં / જવાહર બક્ષી


બ્હાનાં કદાચ જોઈ શકાશે ઉજાસમાં
કારણ તો કોઈ મળશે નહીં ગર્ભવાસમાં

કોઈ સુવાસ લાવો, ઉતારી દો શ્વાસમાં
ડંખી ગયું છે કોઈ પરિચિત સુવાસમાં

બસ આટલો જ તારો ન હોવાનો ફર્ક છે
હું એકલો જ જાઉં છું એકાંતવાસમાં

ઘરમાંય નીંગળું તો છું પણ આટલો નહીં
શું થાય છે આ તારા સ્મરણને પ્રવાસમાં

હું તારી ગેરહાજરી જેવો સફેદ છું
સારું થયું કે હું નથી રહેતો ઉજાસમાં

એકાંત મારા શ્વાસમાં ઊગી શક્યું નહીં
લાગ્યા કરી છે કોઈ નજર આસપાસમાં

તારી પછેડી ઓઢી ને ચોરી ગયો ગઝલ
છટક્યો છું છંદમાંથી ન પકડાયો પ્રાસમાં


0 comments


Leave comment