69 - ભીનાં સ્મરણનાં શુકન / જવાહર બક્ષી


ધાર્યા મુજબ સબંધનાં સૂરજ ઊગ્યા નહીં
સ્વપ્નો હવે હું ભૂલી શકું નહિ તો ના નહીં

આખા દિવસની શુષ્ક ઉદાસી તૂટી નહીં
તારાં ભીનાં સ્મરણનાં શુકન પણ ફળ્યાં નહીં

નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં

તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું
ને એ કહે કે મને શબ્દો મળ્યા નહીં !

એને માળો ને જો કશું બોલી શકો ‘ફના’
એના વિષે કશુંય કહી બેસતા નહીં


0 comments


Leave comment