1 - મનના હાંસિયામાં.../ અલખના અસવાર / યૉસેફ મેકવાન


કવિતાનું સારલ્ય, એની સાહજિકતામાં ઊઘડે છે ત્યારે એનું ગતિશીલ સંકલન લોહીના લયમાં ભળી ધ્વનિ કે વ્યંજનાની આહલાદક સંવાદિતા જન્માવે છે. સર્જનકર્મનો આ રસાનુભવ જ કાવ્યાનંદ, જે મનોવૃષ્ટિ પર પ્રકાશી ત્યાં જ શમે છે... અદ્દભુત-અનન્ય.

આ સંગ્રહની કેટલીક રચનાઓ આકાશવાણી પર, ટી.વી. પર, સુગમ સંગીતના કાર્યક્રમોમાં કે અન્યત્ર રજૂ થઈ છે. સંગ્રહના પ્રાગટ્ય સમયે એનું સંમાર્જન કરનારા મિત્રોનું સ્વાભાવિક સ્મરણ થઈ આવે. એ ન્યાયે એચ.એમ.વી.માં મારાં ગીતોની રેકર્ડ ઉતરાવનાર સ્વ. શ્રી શશિકાંત ગુંદાણીને તથા આત્મીય શ્રી સરોજ ગુંદાણીને ભૂલી શકતો નથી. નિખાલસ અને સ્વભાવે સરળ એવા મિત્ર શ્રી ગૌરાંગ વ્યાસ, સંગીતમય શ્રી ઈમુ દેસાઈ, શ્રી સુધીર ખાંડેકર, અજિત શેઠ, શ્રી જયંત બારોટ. સ્વ. પરેશ ભટ્ટ, રસિકલાલ ભોજક વગેરેએ આમાંની ઘણી રચનાઓ સ્વરબદ્ધ કરી છે તેમનો આભારી છું... તો ગાયકમિત્રો શ્રી હર્ષિદા-જર્નાદન રાવળ, શ્રી માલતી લાંગે, શ્રી દિનકર રાવળ, શ્રી મૃદુલા પરીખ, શ્રી અમિત ભાવસાર, શ્રી પૂનમ બારોટ, શ્રી પરેશ ભટ્ટ, ફાલ્ગુનીશેઠ વગેરેના કંઠે એ રચનાઓ ફોરી છે. એમને યાદ ન કરું તે કેમ ચાલે?

ચિનુ મોદી... અઢળક કામનાં ભારણ વચ્ચેથીયે ઉમળકાભેર લાગણી સભર પ્રસ્તાવના લખી આપી. એ એટલો નિકટ છે કે એનો આભાર માનીશ તો એને નહીં રુચે.. અને નહીં માનું તો મને નહીં ગોઠે. મૈત્રીનું આ કેવું રૂપ! એવું જ મૈત્રીનું બીજું નામ છે રાધેશ્યામ શર્મા. એમની વિવેચકી દ્રષ્ટિએ મને મારી સર્જકચેતનાની વધુ ક્લોઝ-અપમાં લાવી દીધો, એનો આનંદ છે. આ રચનાઓ સંસ્કૃતિ, કુમાર, બુદ્ધિપ્રકાશ, નવનીત સમર્પણ, અખંડ આનંદ, કવિલોક, કવિતા, પરબ, તાદ્રર્થ્ય, ઉદ્દેશ વગેરે સામયિકોમાં તથામુંબઈ સમાચાર, ગુજરાત, સમભાવના દીપોત્સવી અંકોમાં, તે સૌ તંત્રી-સંપાદકોની સાભાર નોંધ લઉં છું.

૧૯૯૪માં ગીત-ગઝલ સંગ્રહ પ્રગટ થયેલો. તેને ગરાસ અકાદમીનું પ્રથમ ઇનામ પ્રાપ્ત થયેલું. ૧૯૯૪ પછી રચાયેલી ગઝલોનું ઉમેરણ કરી ‘અલખના અસવાર’ના આ સંવર્ધિત આવૃત્તિ છે. પ્રથમ આવત્તિની કવિમિત્ર ચિનુ મોદીની પ્રસ્તાવના આ સંગ્રહમાં પણ રાખી છે. આ સંવર્ધિત આવૃત્તિની પ્રસ્તાવના કવિમિત્ર ડૉ. રશીદ મીરે લખી છે. તેમનો આભારી છું.

આ સંવર્ધિત આવૃત્તિના પ્રકાશન ટાણે જેમની સાથે ગઝલો વિશેના વાર્તાલાપ માણેલા તે સૌ સ્મરણપટે ઊપસે છે, મનહર મોદી, આદિલ, ચંદ્રકાન્ત શેઠ, રાધેશ્યામ શર્મા, આ ઉપરાંત દિલીપ મોદી, પ્રબોધ જોશી. હેમન્તદેસાઈ, પ્રવીણ દરજી, સુધીર દેસાઈ, નરેન્દ્ર પંડ્યા, એમ. ડી. ભટ્ટ વગેરે સંગ્રહનું મુખપૃષ્ઠ દીકરા સચીને - પોતા કામના દબાણમાં હોવા છતાં તૈયાર કર્યું. એની એ તમન્નાને સલામ.

આ સંગ્રહને કાળજીપૂર્વક પ્રગટ કરવા બદલ રન્નાદેના હંમેશ મોદી અને નરેશકાકાનો આભારી છું. સાથે સાથે રન્નાદે પરિવારના રાજુ, મિનેષ અને ગણપતભાઈને યાદ કરી લઉં છું. એમની કાળજી અને સમયસૂચકતાવિના આ સંગ્રહ આવો ન થયો હોત!

ઈસ્ટર ૨૦૧૧
યોસેફ મેકવાન


0 comments


Leave comment