3 - ફરે ઘડિયાળમાં, કમઠ ગતિએ બેઉ કાંટા.../ અલખના અસવાર / પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના / ચિનુ મોદી


એ વાતને વરસો થયાં હશે – ઓછામાં ઓછા બત્રીસ-તેત્રીસ વર્ષ. અમદાવાદના સબબે ગાંધીગ્રામ સ્ટેશનની સામે (જમણી વિલામાં) યૉસેફ રહે, એનાં માતા પિતા-ભાઈ-બહેન સાથે. નાનકડું ઘર અને મોટો પરિવાર. ખ્રિસ્તી હોવા છતાં ઘરની ઢબછબ બધી ભારતીય હિન્દુ જેવી સુઘડ. ત્યારે આશ્રમ રોડ એટલે એક નેળિયા જેવો રસ્તો. કલાકે એકાદ એ.એમ.ટી.એસ.ની ‘બસ’ આવ-જા કરે. ત્યારે બધી જાહોજલાલી શહેરમાં કોટના વિસ્તારમાં. આશ્રમ રોડ પર એક પણ થિયેટર નહીં. નેહરુબ્રિજ પણ નવો નવો બંધાયેલો. આ બ્રિજ બંધાતાં શહેરની બધી જ ધાંધલધમાલ રહેઠાણ માટે ખ્યાત એલિસ બ્રિજમાં આવી ગઈ. મલ્ટિસ્ટોરી બિલ્ડિંગ્સ, શૉપિંગ સેન્ટર્સ, હોટેલ્સ અને શું શું નહીં...?

હું ને યૉસેફ એ લગભગ ધૂળિયા રસ્તે સાથે સાથે ફર્યા છીએ. મનહર મોદી ત્યારે સાબરમતી રોજ નોકરી કરવા જવા ધોળકાથી આવતા અને ગાંધીગ્રામ અટકતા ‘શટલ’માં પ્રવાસ કરે. સવારે ૮-૪૫ની આસપાસ હું, યૉસેફ, ક્યારેક પ્રિયકાંત મણિયાર અને દર શુક્રવારે આદિલ મનસૂરી મનહરને વિદાય આપીએ. હું અને યૉસેફ તો અચૂક હોઈએજ. રવિવાર સિવાય રોજ જ સવારે મળીએ અને ગઈ રાત્રે લખેલી કવિતા વાંચીએ. યૉસેફ એ પછી સાંજે એમ. જે. લાઇબ્રેરી પર પણ મળે અને મારી જેમ સવાર પછી લખાયેલી કવિતા પણ સંભળાવે. ક્યારેક એ મારી સાથે ઘર સુધી પણ આવે. દર બુધવારે રાત્રે રાયપુર દરવાજા પાસેના કુમાર કાર્યાલયમાં તો હોઈએ જ હોઈએ.

યૉસેફની શ્વાસયાત્રા અને શબ્દયાત્રા આમ બહુ બહુ વરસ જોવાનો મને મોકો મળેલો. એની હરિણી છંદમાં રચાયેલી કવિતા ‘સંસ્કૃતિ’માં છપાયેલી જોઈ ત્યારે એનાથી વધારે કદાચ હું ઊછળી ઊઠેલો. એમાંની અર્ધ પંક્તિ તો વારંવાર હું આજેય બોલું છું – ‘કમઠ ગતિએ બેઉ કાંટા...’શ્રી ઉમાશંકરે આજથી બે-અઢીદાયકા પહેલાં કોઈને કહ્યું હતું કે હાલ હું બે કવિઓને ઑબ્ઝર્વ કરુ છે.– લાભશંકરઅને યૉસેફને.

આવો આ કિશોરાવસ્થામાંથી મુગ્ધાવસ્થામાં પ્રવેશ ટાણે રાવજી જેમ જ યૉસેફ મિત્ર. એની વરસો સુધી તાજી રચના કદાચ મેં જ પહેલી સાંભળી હશે. યૉસેફ પછી જિંદગીના રવૈયાથી ફરવા માંડ્યો અને આ કે તે જૂથથી, ટોળીથી એ અલગ થઈ ગયો. દિવસમાં બે વાર મળનાર અમે વરસમાં માંડ બે વાર મળતા હોયતોય ઠીક કહેવાય. આવા મિત્રના પુસ્તકમાં લખવાનું કહેણ મળે ત્યારે એકસામટુંએકશ્વાસે કેટકેટલું યાદ આવી જાય એ સ્વાભાવિક છે.

યૉસેફની કવિતા ક્યારેય સુકાઈ નથી. એ છંદ-અછાંદસ, ગીત-ગઝલ-સૌમાં એકસરખી રીતે હરેફરે છે. આ નવો સંગ્રહ ‘અલખના અસવાર’ગીત-ગઝલ મુક્તકને લઈને આવે છે. જે ગીતને આધારે આ સંગ્રહનું શીર્ષક છે તે
‘હે... જી... શબદું તો અલખના અસવાર,
પલના પલકાર, જલના થડકાર,
તેજના ઝબકાર...’

પરેશ ભટ્ટ પાસેથી પહેલી વાર બંદિશ પામીને, ગવાતું સાંભળેલું અને ત્યારે મારો બીજો ખ્રિસ્તી મિત્ર ઈમુ દેસાઈ ઉપસ્થિત હતો. ઈમુએ યૉસેફનાં અને મારાં બાઇબલ આધારિત ઘણા ગીતો સ્વરબદ્ધ કરેલાં. યૉસેફનાં ગીત એ રમેશ અનિલથી અલગ છે પણ એના પર સુન્દરમ્-ઉમાશંકર;રાજેન્દ્ર-નિરંજનનાં ગીતોની અસર છે. એ પ્રેમના હિલ્લોળાનો ગીતકવિ નથી, પણ ચંદ્રકાન્ત શેઠ જેમ ગીતને ગંભીર પર્યેષણા માટે ઉપયોગમાં લેતો ગીતકવિ છે. લાગણીના લયહિલ્લોળ કરતાં, એને વિચારને લયાન્વિત કરવાની વિશેષ વૃત્તિ થાય છે. એના ઉદાહરણરૂપ એનાં ગીતોની આ રહી કેટલીક પંક્તિઓ :
હળવે રે હળવે પડદા ઊપડે,
આંખ્યુંમાં ઊઘડે આકાશ,
ઊછળે રે ઊછળે સાગર શ્વાસના,
મનને કોઈ ન આડાશ
હું જ છું ભીતર ને હું બહાર
ઝીણો રે ઝગે છે અંધકાર!
***
આપણામાં સમજણનો દરિયો જો હોત,
તો છીછરાં પાણીમાં આમ અધવચ્ચે ડૂબ્યા ન હોત....
***
પાનપાનમાં પોઢ્યા એણે
સાગરને ઢંઢોળ્યા,
પાંપણ ઊંચકી નજર કરી ત્યાં
સૂરજમુખી હોય.
***
કેવળ વિચારથી જ એ ગીત લખે છે એવું નથી. એ જોબનના હિલ્લોળાને ગીત રચનામાં લાવે જ છે, પણ એને વિચારપ્રધાન ગીત કવિતા સાથે વધુ ગોઠી ગયું હોય એમ લાગે છે. અહીં કેટલાક ગીતપ્રયોગો-ખાસ કરીને સંવાદ ગીતો-ધ્યાન ખેંચે એવાં છે. ‘સ્વગત’માંનાં કેટલાંક ગીતો અહીં પુન: પ્રકાશિત કરીને નીવડેલાં ગીતોની એણે અહીં મહોર મારી છે.

યૉસેફના ગઝલયાત્રા એ છાંદસ કવિની Consciousness સાથેની, આધુનિક સજ્જતા સાથેની છે, આમ છતાં ઘણી વાર આગળના જૂના ગઝલકારો જેવો મિજાજ, સ્નેહનિવેદન, ભાષા-સંમાર્જન યૉસેફમાં પણ મળે છે. જેને ગઝલિયત કહેવામાં આવે છે. તે સૈફ-શૂન્ય-ઘાયલ-મરીઝ અને શયદાના શેરમાં ખૂબ જ જોવા મળે છે. આવી ગઝલિયત યૉસેફના એકાધિક શેરમાં જણાઈ છે. એક શેર એના ઉદાહરણમાં–
લોકોની વાત છોડી દો;ક્યારેક પોતીકાં
લઈ બુદ્ધિનો કાંટો અને તોલે છે લાગણી.

પુષ્પિતાગ્રામાં ગઝલ કે શેખાદમ જેમ ટૂંકી બહેરની ગઝલના પ્રયોગ પણ યૉસેફ કરી જુએ છે. પરંતુ, યૉસેફનું ગઝલકાવ્ય શેમાં પ્રગટે છે એ નીચેના શેરને આધારે જોઈ જ શકાશે:
નથી કોઈ ચહેરો હવાને છતાં
નજર કેમ એમાં પીગળતી રહી?
(આધુનિક ભાષા)
***
શક્યતાનો એક પરપોટો તરે
તુંબને વાદળ, બનું હું વ્યોમ રે.
(‘રે’નો ગીતભર્યો લહેકો)
***
શ્વાસમાંથી કોણ ભાગી જાય આ પકડો
ઝાલવા એને હું રસ્તો ચાતરી બેઠો.
(આધુનિકતા વિચારમાં)
***
ક્યાંક તો પહેલાં મળ્યાં’તાં સ્વપ્નમાં
આંખમાં એવું મને સંભળાય છે.
(ઇન્દ્રિયવ્યત્યય)
***

બહુ વરસો પછી યૉસેફની કાવ્યપ્રવૃત્તિ સાથે સંકળાવાનું મળ્યું , એનો મનેઆનંદ છે. અંતે ગીતની બે પંક્તિઓ :
જલની ઝીણેરી ઊઠે વાદળી,
વીજને છમકારે તેજલ ઝાંઝરી,
તેજલ એ ઝાંઝરી, મોઝાર,
હે જી શબદું અલખના અસવાર.
શરદ પૂર્ણિમા ૧૯૯૩
- ચિનુ મોદી


0 comments


Leave comment