4 - વિષયવૈવિધ્ય અને ભાવપ્રવણતા સાધતી ગઝલો / પ્રસ્તાવના / અલખના અસવાર / ડૉ.રશીદ મીર


શબ્દને સતત સેવતા અને અજવાળતા રહેતા કવિ યૉસેફ મેકવાનને શબ્દ સાથે ઘનિષ્ઠ નાતો છે. વિવિધ કાવ્યસ્વરૂપોમાં એમની ગતિ છે, પણ ગીત-ગઝલમાં એમને વિશેષ ફાવટ છે. અહીં આ સંગ્રહની ગઝલો વિશે વાત કરવાનો મારો ઉપક્રમ છે.

એક સારા ગઝલકાર માટે ભાષાની સફાઈ, અભિવ્યક્તિની સાદગી, બંદિશની ચુસ્તી અને પ્રભાવ - એ ચાર વિશેષતાઓ મહત્વની છે. આ પરિપ્રેક્ષ્યમાં યૉસેફ મેકવાનની ગઝલો જોવા જેવી છે.

અત્યંત સંસ્કૃતનિષ્ઠ કે ઉર્દૂમય ભાષા ગઝલને અનુરૂપ નથી. ભાષા અંગે કવિનો સંકીર્ણ દ્રષ્ટિકોણ આજના યુગમાં ગઝલ કે કોઈ પણ કાવ્યપ્રકાર માટે આવકાર્ય નથી. ભાવને અનુરૂપ શબ્દ તો ગમે ત્યાંથી આવે. ભાષાની સુબોધતા અને સરળતા સાથે ચોટ સાધવી એ જ ગઝલકારનું લક્ષ્ય હોવું જોઈએ. શબ્દોના સાર્થક, સમુચિત પ્રયોગની સાથે સાથે શબ્દાળુતાથી બચવું જોઈએ. Best word in Best orderની ગઝલસ્વરૂપમાં વિશેષ દરકાર છે. યૉસેફની ગઝલોમાં આપણને ભાષાની આવી સભાનતા દ્રષ્ટિગોચર થાય છે. આવી સરળ-સહજ ભાષાના એક-બે દ્રષ્ટાંતરૂપ શેર જુઓ :
તારો અવાજ મહેક બની આવતો રહ્યો,
મારી ઉદાસ સાંજને પિગળાવતો રહ્યો.
***
પાણીનો આકાર બંધાતો નથી,
તૂટતો હું, એમ સંધાતો નથી.
***
છે અહમનાં ફીણના દરિયા જ ઘૂઘવતા
હુંય એનું એક શું એવું જ મોજું છું?
***

વિવિધ કથનરીતિના વળોટથી સિદ્ધ થતો ગઝલનો અંદાઝે-બયાન ભલે સંકુલહોય, પણ ક્લિષ્ટ કે દુર્બોધ હોવો જોઈએ નહીં. વાચ્યાર્થીની સ્પષ્ટતા એ શેરની પ્રથમ શરત છે. તો જ ભાવનું સદ્ય સંક્રમણ થાય. શક્ય બને. આ અભિવ્યક્તિનીસાદગીનો મર્મ છે. પ્રસ્તુત સંગ્રહમાંથી થોડા શેર જોઈએ.

ચંદ્ર અને ઝાંખરાના અભિનવ પ્રતીકોથી નીચેના શેરમાં રચાયેલું ગત્યાત્મક ભાવચિત્રનું બિંબવિધાન હૃદ્ય નીવડ્યું છે:
ચંદ્ર તો કૈં ઝાંખરા વચ્ચે ભરાયો,
જોઈ આ પ્રતિબિંબ મારું હું ડરું છું.

નગરજીવનની યાંત્રિકતા, સંવેદનશૂન્યતા, એકાકીપણું, સંબંધ-વિચ્છેદ, મૂલ્યહ્રાસજેવા આધુનિક બોધને કવિ પ્રશ્નાર્થક રદીફ દ્વારા આમ રજૂ કરે છે :
હાથ મિલાવી આપણે મળીએ જરૂર પણ,
ક્યાં આંગળાંનાં ટેરવાં ફોડે છે લાગણી?
***
બધાં જંગલ-વનો તો હોય છે બિહામણાં યૉસેફ,
પછી શહેરો મહીં મારુંહૃદય આ કેમ ફફડે છે?
અહીં નગર સંસ્કૃતિના બિહામણા અધ્યાસોને કવિએ વાચા આપી છે.

નીચેના શેરમાં શબ્દના પુનરાવર્તનની પ્રયુક્તિ દ્વારા માણસ હોવાના કૃતક અભિનિવેશની નિરર્થકતાનો બલિષ્ઠ ઘોષ સંભળાય છે :
નથી હું નથી હું અને તોય છું,
મને કાં સજા આવી મળતી રહી.
***
શબ્દને સમજ્યા વિના શણગારતા
આપણે આ હાથ શામાં નાખતા?
જેવા શેરમાં કવિએ શબ્દબ્રહ્મનો મહિમા કર્યો છે. શબ્દને સતત અજવાળતા રહેતા કવિને એના નિરર્થક પ્રયોગ પરત્વે રંજ છે.

તો આંખને અંધારાની વાવની નૂતન ઉપમા આપીને સધાતી ચોટ અને એનું અલંકાર-સૌંદર્ય ધ્યાનાર્ય બન્યું છે:
છેક તળિયે જાવ તો શું પામશો?
આંખ તો અંધારાની એક વાવ છે.

વળી પુરાકલ્પનના પ્રશ્ન બે કાળ વચ્ચેની ક્ષતિપૂર્તિ દ્વારા ઉજાગર થતા માનવીની સનાતન વ્યથા એક શેરમાં સોંસરી ઊતરી આવી છે. ઈસા મસીહાનોધાર્મિક સંકેત અહીં શેરમાં પ્રાણ પૂરે છે. જીવનની વિભીષિકાના સંદર્ભે કરાયેલો કટાક્ષ કરુણ રસને ઘેરો બનાવે છે :
હું જીવતે જીવે મરું આજેય એ રીતે
તું તો મરીને ક્રૉસ પર યુગો જીવી ગયો.

ભાષાની સંકુલતા સાથે માણસના વ્યક્તિત્વની સંકુલતાને સરખાવીને કવિ આ રીતે એક શેરમાં ઉઘાડી આપે છે :
વાક્ય-શબ્દ-અર્થની ગૂંચો વિશે,
સ્પષ્ટ હું ક્યારેય વંચાતો નથી.

નૈશ્વીકરણના યુગમાં ચોતરફ વિઘટનનું વરવું રૂપ જોવા મળે છે. સ્વાર્થ અને સત્તાની લોલુપતાએ રાજકારણમાં સાધન અને સાધ્ય વચ્ચેની ભેદરેખા ભૂંસી નાંખી છે. આવા ભાવને કવિ ‘રે’જેવા ગીતનુમાલયના રદીફથી એક ગઝલમાં મૂર્ત કરે છે :
યુદ્ધના પડઘમ હવે વાગી રહ્યા છે,
જૂઠના કિલ્લા જીભે બંધાય છે રે.
શ્વાસ-ઉચ્છવાસે રમાતું રાજકારણ,
આમ જનતા કેટલી રિબાય છે રે
***
સત્તાનું છે વ્યાકરણ સૌનું અલગ અલગ,
એના વિચિત્ર જોડણી સંધિ-સમાસ છે.

ગઝલની રૂપકાત્મક શૈલી દ્વારા નગરજીવનની યંત્રણાને સાકાર કરતા એક શેરમાં નૂતન તાજગીપૂર્ણ અલંકાર-સૌંદર્ય એની ચિત્રોપમ શૈલી અને ઇન્દ્રિયવ્યત્યને કારણે રચાતા નાદ સૌંદર્યથી વિશેષ આસ્વાદ્ય નીવડ્યું છે :
બ્હેરા-મૂંગા લોકોની આંખોમાં ખખડ્યા કરતા
ભાંગી પડેલાં સપનાંઓનો બડબડાટ છે, શહેર!

ગઝલમાં એક પણ ભરતીના શબ્દને સ્થાન નથી. કારણ કે કવિએ કેવળ બે પંક્તિઓના નાના પટમાં જ ભાવની ચમત્કૃતિ સાધવાની હોય છે. તેથી તમામ આંતર-બાહ્ય સ્વરૂપ વિશેષોની બંદિશ અને એની ચુસ્તી અનિવાર્ય છે. અહીં ભાવને મૂર્ત કરતું સુશ્ર્લિષ્ટ સ્વરૂપ નિબંધન અપેક્ષિત છે. જ્યાં ભાષાનાં તમામ ઉપકરણો ઓગળીને એકાકાર થઈ જાય છે. પ્રસ્તુત સંગ્રહની ગઝલોમાં રદીફ કાફિયાની ભાવોચિત સંયોજના ધ્યાનાર્હ છે. એક ગઝલમાં તો કવિએ બેવડી રદીફનો પ્રયોગ કર્યો છે અને કાફિયાને ક્રિયાપદરૂપે યોજીને ભાવનો પ્રસ્તાર સાધ્યો છે :
શબ્દ અડોઅડ ઊગ્યો છું હું
શબ્દ અડોઅડ પૂગ્યો છું હું.

લય ગઝલનો પ્રાણધાર છે.કેવળ છંદોબદ્ધતાથી ગઝલ સિદ્ધ થતી નથી. લયલુબ્ધ ગઝલને પ્રવાહિતા આપે છે. કવિને છંદસૂઝ છે એવું આ સંગ્રહની રચનાઓ પરથી જણાઈ આવે છે. ફાઇલાતૂન-ફાઇલાતૂન(ગાલગાગા-ગાલગાગા-ગાલગા)ના લગાત્મક આવર્તનમાં સર્જાયેલી:
સુર કો’ મળતો નથી એ ગાન છું
ગ્રંથમાંનું એક છૂટું પાન છું.

ટૂંકીબહરની ગઝલરચનામાં કવિની કસોટી થાય છે, કારણ કે રદીફ-કાફિયાઉપરાંત એક-બે શબ્દોનો મિસરામાં અવકાશ રહેતો હોય છે. જો કવિ પાસે શબ્દસંયોજનની કલાત્મક સૂઝ ન હોય તો આવી ગઝલ ખાનાપૂર્તિનુંકોષ્ટક બનીરહે છે. યૉસેફ મેકવાને ‘ગાગાલગા’ના આવર્તનમાં લખેલી મુસન્ના પ્રકારની ટૂંકીબહરની મુરસ્સા ગઝલ જુઓ :
આ શ્વાસ છે
આકાશ છે.

કવિને પોકળ મૈત્રીનો વિશેષ રંજ છે. સ્વાર્થી, તકસાધુ અને દંભી મિત્રો વિશેની એમની વ્યંગોક્તિ જુઓ :
જે વાતવાતે ખાનગીમાં ખીલા કર્યા સદાય
જાહેરમાં જોયો અલગ મિત્રોનો પહેરવેશ

પ્રભાવોત્પાદકતા એ શેરનો સર્વોત્તમ ગુણ છે. આંતરબાહ્ય લક્ષણોના રાસાયણિક સંયોજનથી નિષ્પન્ન થતી ગઝલની વર્ણનશૈલી એક વિશેષ પ્રકારના વાતાવરણ મિજાજનું નિર્માણ કરે છે જે અન્ય સ્વરૂપોથી ગઝલને નોખી ઓળખ આપે છે અને આપણને પ્રભાવિત કરે છે. આ સંદર્ભે થોડાક શેર જોઈએ :
એવું હશે રહસ્ય શું આ આભમાં ભર્યું?
ઊંચા થઈ થઈ બધાં તાક્યાં કરે છે વૃક્ષ!
***
શબ્દની સંધિ સમું છે આપણું,
તોડવી એને પડે છે કોક વાર
***
હું ગયો છું મહેકમાં રંગાઈ કે-
કોઈ બીજે રંગ રંગાતો નથી.
***
તારો અવાજ મ્હેક બની આવતો રહ્યો
મારી ઉદાસ સાંજને પિગળાવતો રહ્યો.
***
સમયની નદીમાં તણાઈ રહ્યો છું,
જીવું છું, મરું છું, રડું , હસું છું.
***
કૈં કેટલી સ્મૃતિઓ અહીં ટોળે વળ્યા કરે,
ના પૂછ, ઘરમાં કેટલી વસ્તી થતી હશે.

આમ સંગીતતત્વથી નિર્માણ થતા પ્રભાવનાં અહીં આપણને દર્શન થાય છે. કવિની ગઝલોમાં રંગે તગઝઝુલ છે, પણ એ સ્થાયી ભાવ નથી. પત્નીના મૃત્યુ પછીનો વિયોગનો વિષાદ એમની એકાધિક ગઝલોમાં વિશેષ ચૂંટાયેલો જોવા મળે છે. પીડા એ કવિની ગઝલોનું કેન્દ્રવર્તી ચાલકબળ છે. સંક્ષેપમાં સ્વરૂપની સુશ્ર્લિષ્ટતા, વિષયવૈવિધ્ય અને ભાવપ્રવણતાને કારણે આ સંગ્રહની ગઝલો આસ્વાદ્ય નીવડી છે. આ સંગ્રહના પ્રાગટ્ય ટાણે કવિનેશુભેચ્છાઓઅનેઅભિનંદન. બકૌલ ગાલિબ–
દર્દ ઐસા હૈ કિ સીને મેં સમાતા ભી નહીં
હંસને દેતા ભી નહીં ઔર રુલાતા ભી નહીં

૩૦મી ઓકટોબર ૨૦૦૯
- ડૉ. રશીદ મીર
વડોદરા


0 comments


Leave comment