2 - પવનની ડાળ પર / યૉસેફ મેકવાન


સૂર્યનાં કિરણો હવે આંખે ભરું છું,
હું પવનની ડાળ પર માળો કરું છું!

સ્મિત સઘળાં સ્વપ્ન જેવાં થઈ ગયાં છે,
એટલે હું ઊંઘના ઘેને ફરું છું.

ક્યાં પડી ગઈ ગૂંચ મારી જિંદગીમાં,
પામવા મુજને, અતીતને ખોતરું છું.

ચંદ્ર તો કૈં ઝાંખરાં વચ્ચે ભરાયો,
જોઈ આ પ્રતિબિંબ મારું હું ડરું છું.

છો તમે મઝધારમાંયે સ્થિર કેવાં!
સાવ કાંઠે હું તરું ને થર્થરું છું.

૧૯૭૧


0 comments


Leave comment