4 - ઘણું સ્હેવું.../ યૉસેફ મેકવાન


તમારા ઢાળમાં ઢળવા ઘણું સ્હેવું પડ્યું મારે,
તમારા હાથમાં હળવા ઘણું સ્હેવું પડ્યું મારે.

સમયના શ્વેત કાગળ પર લખીને નામ, જાઉં છું,
કહેજો એમને મળવા ઘણું સ્હેવું પડ્યું મારે...

અહીં અક્કેક ચ્હેરા આયના જેવા થઈ ફરતા
મને ખુદનેય ઓળખવા ઘણું સ્હેવું પડ્યું મારે...

કદમ ઉત્સાહમાં માંડ્યા અને આગળ પડ્યો ભૂલો,
પછી પગલાં ભૂંસી વળવા ઘણું સ્હેવું પડ્યું મારે...

ગઝલ-ગીતો-કવિતાઓ સહજ વ્હેતાં ભલે લાગે,
હૃદય મારાને જાળવવા ઘણું સ્હેવું પડ્યું મારે...

૧૯૮૦


0 comments


Leave comment