7 - સજા / યૉસેફ મેકવાન
દીવાલો ઉપર આંખ ફરતી રહી,
સુગંધો જરા ભીની ખરતી રહી.
હસ્યાં પણ ન બોલ્યાં હરફ એક પણ,
જીવનભર ક્ષણોએ ખટકતી રહી.
નથી કોઈ ચ્હેરો હવાને છતાં-
નજર કેમ એમાં પીગળતી રહી?
કથા જેવું કૈંયે ન'તું આમ તો
છતાં મારી વાતો પ્રસરતી ‘રહી.
‘નથી હું નથી હું અને તોય છું’
મને કાં સજા આવી મળતી રહી.
બધાથી અલગ હું વળાંકે વળ્યો,
અને કેડી જાતે પ્રગટતી રહી!
૧૯૭૧
0 comments
Leave comment