12 - પાનખર / યૉસેફ મેકવાન
કૈં કૈં મળ્યું છતાંય તે ખાલી રહ્યો છું હું,
ને પાનખરની જેમ ઉદાસી રહ્યો છું હું!
મારો અવાજ ક્યારનો પંખી બની ગયો,
તુજ દ્વાર એ રીતે કદી આવી રહ્યો છું હું.
મારી મનોદશાનું આવું ચિત્ર આ જુઓ,
કે ધૂમ્રરેખામાં જ અમળાઈ રહ્યો છું હું,
આ સાંજની ઉદાસી ને આકાશ ચૂપચાપ,
વાતાવરણના દર્પણે છાઈ રહ્યો છું હું.
આ તપ્ત રાત્રિઓ કદી તો ચાંદની થશે,
જીવન! તને જ એટલે ચાહી રહ્યો છું હું.
૧૯૭૧
0 comments
Leave comment