13 - એક પંખી / યૉસેફ મેકવાન


એક પંખી આંખમાં આવી અને ટહુક્યા કરે,
પોપચાંમાં એક વીતેલો સમય પલળ્યા કરે.

રાત પણ ચાલી ગઈ ને ચંદ્ર તો ડૂબી ગયો,
બિંબ એનું ડાળ પર આછું હજી ફરક્યા કરે.

શ્વાસની આ આવ-જામાં, મહેક ભીની આવતી,
નામ એનું હોઠ પર કો' સૂર શું થરક્યા કરે.

કોઈ પડછાયોય રાતે શેરીમાં દેખાય ના,
તોય પણ પગલાં સૂનાં ત્યાં કોઈનાં ભટક્યા કરે,

એ નકી છે કે મરણ તો આવશે મારું છતાં,
આ શરીરી મહેલમાં અસ્તિત્વ મુજ કણસ્યા કરે.

૧૯૭૪


0 comments


Leave comment