31 - ખીણનાં ગર્ભાવાસમાં / જવાહર બક્ષી


થાક્યો છું શોધી શોધીને હું ડાળ ડાળમાં
અંતે તો કૈં ન નીકળ્યું પર્ણોની આડમાં

રસ્તા સુધીય પહોંચી શક્યું નહિ સફરનું નામ
મંઝિલનો ભાર રહી ગયો પગનાં અવાજમાં

નહિ તો મહક કરેણની પણ રેશમી હતી
ભૂલો પડી ગયો હતો હું પારિજાતમાં

ઊજાગરાનો અર્થ શું બસ આટલો હતો ?
ધુમ્મસ લઈને બેસી ગયો છું સવારમાં

પર્વતથી એક ડગલું હું આગળ વધ્યો હઈશ
નહિ તો ન હોઉં ખીણનાં આ ગર્ભવાસમાં


0 comments


Leave comment