17 - મથામણો / યૉસેફ મેકવાન


એવી કઈ ક્ષણે થયો મેળાપ આપણો,
બોલી શક્યા ન હોઠ, ન બોલી જ પાંપણો.

આમ જ મળાયું ક્યાંક ને વાતો ઘણી ઊડી,
લોકોની જીભે હોય છે કેવાંયે કામણો.

સંવેદના પડઘો નર્યો છે વેદનાતણો-
આંખોય ક્યાંક જો છલે, પૂછો ન કારણો.

શંકા કશીક સળવળી અડકી ગઈ મને,
ખંડેર થઈ ગયો સમય મારો, સુહામણો.

તારા સુધી આવી શક્યો તે શબ્દની કૃપા,
મારા સુધી જ પહોંચવા કરતો મથામણો.

૧૯૮૩


0 comments


Leave comment