18 - ભેદ / યૉસેફ મેકવાન


બે હાથ ફેલાવી તું દુનિયા સર કરી ગયો,
બે હાથ જોડીને હું તો કેવળ ઊભો રહ્યો.

વર્ષો વહ્યાં, ના આવડી ભાષાય પ્રેમની
સંદર્ભ રાખ્યા યાદ, તુજને વીસરી ગયો.

કૈં ગર્વથી સ્મરતો રહ્યો ગાથા ક્રૉસની,
ને સ્હેજ જાતક દુ:ખથી બેબાકળો બન્યો.

શાને ઉદાસી આંખમાં આજે ફરી વળે,
મારો કર્યો સ્વીકાર તેં, તારો ન થૈ શક્યો.

હું જીવતે જીવે મરું આજેય એ રીતે-
તુંતો મરીને ક્રોસ પર યુગો જીવી ગયો.

૧૯૯૦


0 comments


Leave comment