19 - ક્રૉસ મારો / યૉસેફ મેકવાન
હિમશિલાની જેમ તરડતો જાઉં છું
તીવ્ર તલસાટોમાં ગળતો જાઉં છું.
આમ તો ભરચક્ક જીવ્યો લાગે, છતાં
ઝાંઝવાથી હું પલળતો જાઉં છું.
પ્યાસને ના પૂર્ણવિરામ આવતું
અલ્પ-વિરામો જ મૂકતો જાઉં છું.
સૂર્યના સાતેય અશ્વો ક્યાં ગયા?
તેજનો હું તાર તૂટતો જાઉં છું.
કોઈ ભૂખ્યો ભૂખને જેમ જીરવે
ક્રૉસ મારો એમ ઢસડતો જાઉં છું.
૧૯૮૨
0 comments
Leave comment