24 - ક્યાં જવું? / યૉસેફ મેકવાન


જાણી ગયો આ જિંદગીનો સાર, ક્યાં જવું?
મારો જ લાગે છે હવે તો ભાર, ક્યાં જવું?

હા, મેં જ તારી સૌ પળોને સાચવી લીધી,
તોયે જગત મારી ગણે છે હા, ક્યાં જવું?

સમજ્યો હતો સવાર એ તો સાંજ નીકળી,
વ્યાપી વળ્યો ચોપાસ આ અંધાર, ક્યાં જવું?

વ્હેતા પવન જેવાં સ્મરણ તારાં અહીંતહીં,
હું ભૂલવા ચાહું ન આવે પાર, ક્યાં જવું?

શબ્દોમહીં હું ઠાલવું મારી વ્યથા છતાં-
ઓછો ન થાયે આ હૃદયનો ભાર, ક્યાં જવું?

ખુલ્લા મને મેં સર્વને ચાહ્યાં કર્યું અને,
કોઈ મને મળ્યું ના સમજનાર, ક્યાં જવું?

૧૯૭૧


0 comments


Leave comment