26 - હાલ છે / યોસેફ મેકવાન


પૂછશો ના કોઈ કે શું જિંદગીનો તાલ છે.
એ ષડજના સૂર તો નિષાદ શા મુજ હાલ છે.

દર્દનો સાગર સુકાયો છેક ભીતરમાં ખરે,
આંખમાં રણ છાયું છે ને હાથમાં રૂમાલ છે.

જે હતું તે આપી દીધું ને બન્યા વેરાન ખુદ,
ત્યાં ગયાં મુખ ફેરવી એ કેવી જગની ચાલ છે.

સાચું કે બે-ચાર દિનના દમ લઈ જાશું ઊડી,
પણ અમારે બેસવા ક્યાં એક નાની ડાળ છે?

મૃત્યુ તો છે માનવીને ભેટ કુદરતની ખરી,
જન્મ છે અભિશાપ કે વરદાન એ સવાલ છે.

૧૯૭૩


0 comments


Leave comment