27 - તમને / યોસેફ મેકવાન


જીવનમાં મેં નિહાળ્યાં જ્યાં અરે બાદલ તમને
હૃદયમાં ત્યાં જ મેં જોયાં ખીલ્યાં શતદલ રૂપે તમને.

તમારી મ્હેરબાનીનો નથી બદલી દઇ શકતાં,
તમે શી હૂંફ આપી જ્યાં મળ્યાં ઘાયલ રૂપે તમને

તમે ચાલ્યા જશો તોયે ધરીશું એ સ્મરણ હૈયે,
વહાવી અશ્રુઓ છાના ચૂમીશું જલ રૂપે તમને.

તમે ઢાળ્યું હતું શિરને કુંવારી આ હથેલીમાં,
અને એથી જ ત્યાં હું જોઉં છું, ઝલમલ રૂપે તમને.

તમારા સ્નેહની ઉષ્મા નથી ઓછી થતી જોઈ,
ફૂટ્યા છો, જેઉં છું મુજ ગાલ પર, એક તલ રૂપે તમને.

મરણ ટાણે તમારું નામ જો લઈ લઉં, ક્ષમા કરજો,
જગત કહેશે કર્યો’તો પ્રેમ મેં પાગલ રૂપે તમને.


0 comments


Leave comment