29 - સાત ડગલાં / યોસેફ મેકવાન
રાત સૂનમૂન એકલી અમળાય છે,
કોઈ જ્યાં સંગીત આછું ગાય છે.
ડાળીઓ પર ચાંદની રેલાય છે,
કોઈનો ચહેરો તહીં ચીતરાય છે.
દ્વાર પરથી આમ પાછાં ના જશો,
જેમ પીંછું પાંખથી અળગાય છે.
ક્યાંક તો પ્હેલાં મળ્યાં'તાં સ્વપ્નમાં,
આંખમાં એવું મને સંભળાય છે.
પાંદડું પવને ખર્યું તે વૃક્ષમાં,
એક લીલો ડાઘ આ પડઘાય છે.
સાત ડગલાં સાથ ચાલ્યા ને ગયાં,
તે હવે રસ્તો પગે અટવાય છે.
0 comments
Leave comment