30 - હું હતો / યોસેફ મેકવાન
એ એક સૂર્ય આમ મારા ખ્વાબમાં હતો,
ને અંધકારમાંય હું રુઆબમાં હતો.
તેઓ સમુદ્રની ઊંડાઈ માપતાં રહ્યાં,
હું બુંદ બુંદ પાણીનાં ઊંડાણમાં હતો.
ક્યારેય આ રીતે મને તેઓ મળ્યાં ન'તાં,
માણી રહેલા કાવ્યના આસ્વાદમાં હતો.
આરોહ કે અવરોહને એ પામી ન શક્યાં,
બાકી હું શબ્દ-સૂરના એ ભાવમાં હતો.
આકાશ આયના સમું ત્યારે બની ગયું,
મારો જ સૂર્ય આમ આ વરસાદમાં હતો?
0 comments
Leave comment