32 - એકલો / યોસેફ મેકવાન


તું મળે છે તો ઘડી હું ગાઉં છું,
એકલો બસ એમ થાતો જાઉં છું.

લાગણીનાં પર્ણ ફૂટે અંગમાં,
હું જ તારા ખ્યાલમાં ગૂંચવાઉં છું.

તારી યાદે હું પવન થઈ આવતો,
એ રીતે મહેમાન તારો થાઉં છું.

ચાંદની થઈ આવતી તું આંખમાં,
હું બની સાગર પછી છલકાઉં છું.

વેદના છે આપણી ને એકલો,
હું જ મારી જાત સાથે ગાઉં છું.

૧૯૭૩


0 comments


Leave comment