33 - જીવ્યા કર્યું / યોસેફ મેકવાન


સોહામણી અટકળ વિશે જીવ્યા કર્યું,
મેં રૂપના કૈં છળ વિશે જીવ્યા કર્યું.

ઊગી ગયેલી સાવ લીલા ઘાસ સમ,
બેચેન એવી પળ વિશે જીવ્યા કર્યું.

સંબંધના દોરા તણાતા-ભીંસતી,
એ લાગણીના સળ વિશે જીવ્યા કર્યું.

છે શ્વાસની આ વાસ્તવિકતા જુદી ને,
કો'સ્વપ્નનાં મૃગજળ વિશે જીવ્યા કર્યું.

હું શ્યાહીમાં કૈં શબ્દના રૂપે રહ્યો,
ને શ્વેત આ કાગળ વિશે જીવ્યા કર્યું.

૧૯૮૨


0 comments


Leave comment