34 - કાવ્યદર્પણમાં / યોસેફ મેકવાન


ગળતા સમયને પી જઈને હું પીગળતો જાઉં છું,
કાળી હવાનાં જંગલોમાંથી નીકળતો જાઉં છું.

વાતાવરણને હાથ ખિલૌના રૂપે આજે બન્યો
આ વિશ્વમાં છું, વિશ્વથી તોયે અળગતો જાઉં છું.

એકાદ હલકી લ્હેરના ઊંડાણની આ વાત છે,
સ્પર્શે અચાનક ક્યાંકથી તો કેવો છળતો જાઉં છું.

મારી બુલંદીના દિવસ ઊગ્યા અને જે આથમ્યા,
તે આજ તૂટ્યા કોટ શો હું આમ ઢળતો જાઉં છું.

હું શબ્દની સરહદ ભણી નીકળી ચૂક્યો છું ક્યારનો,
તે કાવ્યદર્પણમાં હવે મુજને જ મળતો જાઉં છું.

૧૯૮૬


0 comments


Leave comment