36 - આંખોમાં.... / યોસેફ મેકવાન


બળબળતા તડકાના જેવું કંઈક કશું ખખડે આંખોમાં,
પવન પીઠ પર જાય પલાણ્યો સૂનકાર અથડે આંખોમાં.

તરી રહેલા પિચ્છ સરખી દૃષ્ટિ ત્રુટક ત્રુટક ફરતી,
અને સમયની ધૂળ-રજકણમાં એક સ્મૃતિ રખડે આંખોમાં.

આજ અચાનક એકલવાયા બારીના પડદાના જેવું,
કોણ અરે આ કોણ? આવીને એકધારું દદડે આંખોમાં.

વહી રહેલા રક્તવહેણના કાંઠે ઊગ્યાં તરુવર ઉપર,
હળવે હળવે ચંદ્ર ફૂટતાં તેજ કૂણું તતડે આંખોમાં.

અંધકારના એક સુંવાળા ટુકડાને મેં સાચવી રાખ્યો,
આજ હવે એ ફૂગ ચઢેલો અંધકાર કનડે આંખોમાં.

૧૯૮૦


0 comments


Leave comment