37 - નામ / યોસેફ મેકવાન
શ્વાસને પોષ્યા કરે છે કોઈ એવું નામ,
આંખમાં સુરમો ભરે છે કોઈ એવું નામ.
દોસ્ત ! સાગર આટલો ઘેલો બને ન આમ,
ચાંદનીમાં સંચરે છે કોઈ એવું નામ.
આ ઋતુઓ આમ ચાલી જાય છે હંમેશ,
રોમરોમે પાંગરે છે કોઈ એવું નામ.
રાતના અંધાર છોને આ ચણાતો જાય,
મુજમહીં કિરણો ધરે છે કોઈ એવું નામ.
ઝાંઝવા વિસ્તાર પામે જાય, ના પકડાય,
એમ મુજમાં વિસ્તરે છે કોઈ એવું નામ.
૧૯૮૦
0 comments
Leave comment