41 - વરસાદનો ચ્હેરો / યોસેફ મેકવાન


ઓગળે છે વાદળ વરસાદનો ચ્હેરો પછી,
ચોતરફ શો ઝલમલે વરસાદનો ચ્હેરો પછી.

જત ન્યોચ્છાવર કરીને વાદળો ચાલ્યાં જતાં,
સાવ લીલો છલબલે વરસાદનો ચ્હેરો પછી.

પાંખમાં આખું ગગન લઈ ઊડતા પંખી અને –
કંઠમાં શો કલરવે વરસાદનો ચ્હેરો પછી.

કોઈ તડકાનો ધરે છે આયનો આકાશથી,
ઝાકળે શો ઝળહળે વરસાદનો ચ્હેરો પછી.

કેટલી વ્હાલપ ઢબૂરે ધૂળ-માટીમાં બધે,
મ્હેક માદક નીતરે વરસાદનો ચ્હેરો પછી.

ઘર-મકાનો-બારીઓ-રસ્તા બધું ભીંજાય ને,
આ નદીમાં ખળખળે વરસાદનો ચ્હેરો પછી.

પાનખરમાં જે ખરે તે ભર વસંતે ફૂલના,
કૈંક રંગોમાં મળે વરસાદનો ચ્હેરો પછી.

હો શરદની રાત કે હો તારલાની ભાત ત્યાં,
સૌમ્ય, મોહક હલબલે વરસાદનો ચ્હેરો પછી.

યક્ષના જેવી દશામાં મન કદી જો આથડે,
આંખ વચ્ચે કલકલે વરસાદનો ચ્હેરો પછી.

૧૯૯૨


0 comments


Leave comment