45 - ગઝલ / યોસેફ મેકવાન


નયનો જો પલકે તો જાણો ગઝલ છે,
અધરો જો મલકે તો જાણો ગઝલ છે.

અંધારી રાતોમાં સુખનું દરદ જો ,
ઊઠે હલકે હલકે તો જાણો ગઝલ છે.

સમન્દરની લ્હેરો આ અથડાય કાંઠે,
પાણી જો છલકે તો જાણો ગઝલ છે.

કૂણાં પાન જેવા શરમ-શેરડાના
સ્પર્શે તન ઝલકે તો જાણો ગઝલ છે.

ઝાલી હાથ તમારો હું ચૂમી લઉં ને,
ભીતર કોઈ મલકે તો જાણો ગઝલ છે.

૧૯૯૨


0 comments


Leave comment