47 - સમયની આંખમાં / યોસેફ મેકવાન
જોતજોતાં આંખ થઈ ગઈ કાચ, સમયની આંખમાં,
કાળને વંચાય તો તું વાંચ, સમયની આંખમાં.
શબ્દ જ્યાં સમજાય તે પહેલાં લગીર અર્થાય ત્યાં –
જૂઠ આખું થૈ જતું રે સાચ, સમયની આંખમાં.
આમ હું ના કૈં કશું, ને આમ કેવું કૈં કેટલું !
કોણ આ એવો નચાવે નાચ, સમયની આંખમાં.
ખૂન જે હાબેલનું પહેલું થયું સૃષ્ટિ પરે,
બસ પડી છે ત્યારથી આ ખાંચ, સમયની આંખમાં
શ્વાસ પોતાના ગણી મગરૂર કાળ સામે બને ?
એટલો વિશ્વાસ તું ના રાખ, સમયની આંખમાં.
જીવવાનું હોય છે થોડી ક્ષણો બસ આપણે –
ને પછી એ હોય છે તો રાખ, સમયની આંખમાં.
૧૯૯૨
0 comments
Leave comment