48 - પર્યાય / યોસેફ મેકવાન
એટલું સમજાય છે તારું સ્મરણ,
જીવનો પર્યાય છે તારું સ્મરણ !
હું બનું એકાંતમાં બસ મ્હેક મ્હેક,
ફૂલનો પર્યાય છે તારું સ્મરણ !
રાત ઓગળતી રહી છે દીપમાં,
તેજનો પર્યાય છે તારું સ્મરણ !
ચાંદની છે ચાંદની ભીતર-બહાર,
ચંદ્રનો પર્યાય છે તારું સ્મરણ !
આ હવા પર ક્યાં ધરું વિશ્વાસ હું?
શ્વાસનો પર્યાય છે તારું સ્મરણ !
૧૯૯૨
0 comments
Leave comment