50 - જિંદગીને / યોસેફ મેકવાન


જેમને અંગત ગણ્યા છે, એમણે દઝાડી છે,
ખૂબ પાસેથી તને મેં, જિંદગી, નિહાળી છે.

સાવ સાદી સમજણ પણ જ્યાં આંખમાં ઊગે નહીં,
આયખાભર તોય તે મેં, જો તને નિભાવી છે.

તીક્ષ્ણ તીણા કાચ જેવી ક્ષણ સમાવી લોહીમાં,
ચૂપ રહે, તુજને ઘણીયે વાર જો મનાવી છે.

આમ તો તારાં અસલ રૂપો અસંખ્ય કૈં હશે –
પ્રેમ એનો પામવા વેઠી ઘણું, મઠારી છે.

પળ પછીની પળ અને માહોલ જ્યાં બદલાય ત્યાં,
મેં તને આ સાવ કાચા શ્વાસથી ઉગારી છે.

૧૯૯૦


0 comments


Leave comment