53 - ...પછી / યોસેફ મેકવાન


સ્વપ્નમાં આછું હસીને કોઈ રૂઠે છે પછી,
સાવ વરસાદી બની અસ્તિત્વ તૂટે છે પછી.

જે સમય સંબંધને જ્યાં સ્હેજમાં બાંધી જતો,
એ ક્ષણો જુદે રૂપે ત્યાં આગ ફૂંકે છે પછી.

ત્યાગના ટાંકા ભરીને કૈંક જો સાંધો વરસ,
શ્વાસમાં અડચણ બનીને એ જ તૂટે છે પછી.

ક્યાં જવું આ શહેરમાં જ્યાં આપણું કોઈ નથી
આપણા જેને ગણો ને એ જ લૂંટે છે પછી.

છે અજબ મનનું વલણ, તો છે ગજબ જગનું વલણ,
એક ખુશ થઈ જાય છે, તો એક રૂઠે છે પછી.

૧૯૮૯


0 comments


Leave comment