57 - એક્કેક દેશવાસી... / યોસેફ મેકવાન


એક્કેક દેશવાસી પાસે સંવિધાન છે,
એ વાત જુદી છે કે બીજે એનું ધ્યાન છે.

મિથ્યા બધુંય છે અહીં, જાણ્યા પછીયે પણ –
ધરપત વિનાના માનવી પાસે સુકાન છે.

જોઈ નહીં શકો તમે, છે દોષ આંખનો,
વાદળ છવાયું આપણુંયે આસમાન છે.

એ હોય જો અદૃશ્ય તોયે ફેર શો પડ્યો,
એની દશાય લોકમાં મારી સમાન છે.

‘યૉસેફ’ આટલું જરા મારું બયાન છે,
બીજું બધું તો ઠીક, સાચો વર્તમાન છે.

૧૯૯૮


0 comments


Leave comment