60 - બાકી બધુંય હાંવ / યોસેફ મેકવાન


કરશે જમાનો યાદ તો પૂરા દમામ સાથ,
જ્યારે હું નહીં હોઉં પણ હોઈશ તમામ સાથ.

પરબીડિયાના પત્ર શા છીએ જગત વચાળ,
સંબંધ માણસનો અહીં છે માત્ર દામ સાથ.

જંગલ ભરીને બેઠું ફૂલોનો મુશાયરોય,
રંગો-સુગંધો માણવાં, આપણે શું નામ સાથ !

તું હોય કે ના હોય પણ એથી ન ફર્ક કયાંય –
ઉત્સવ મનાવે લોક કેવી ધૂમધામ સાથ.

બ્હાનાં અહીં જીવતર તણાં-બાકી બધુંય હાંવ !
દોસ્તો, લખે ‘યોસેફ' આ તમને સલામ સાથ.


0 comments


Leave comment