61 - કેમ ફફડે છે? / યોસેફ મેકવાન
રહ્યાં હો ઝાડ પર કે હો નીચે, એ ખૂબ ખખડે છે,
બધાં રસહીન પર્ણો આમ ઊડી તેમ રખડે છે.
કદીકે આપણી વાણી જ પગમાં આવી કનડે છે,
વિશાળા ઝાડ નીચે છાંય પણ ક્યારેક કરડે છે.
ન’તી ભીનાશ મારી આંખમાં, તો એ ગયાં પછી,
મને બદનામ કરનારા કહો એ કેમ દદડે છે?
ભરી ચિક્કાર આખી જિંદગાની પી ગયો છું હું
પછી પૂછો મને કે પાય મારા કેમ લથડે છે?
બધાં જંગલ-વનો તો હોય છે બિહામણાં ‘યોસેફ'
પછી શહેરો મહીં મારું હૃદય આ કેમ ફફડે છે?
૧૯૯૮
0 comments
Leave comment