62 - સમ નથી જિંદગીમાં / યોસેફ મેકવાન


નામ પાડી શકું ના દર્દ એવું ઊઠે છે
કોણ મારી મહીં આ રોજ મુજથી તૂટે છે?

ક્યાંય વીતી ગઈ છે દર્દની એ પળો તો –
આવનારી પળો એ દર્દ શાને ઘૂંટે છે?

કૈંક ચહેરા રહ્યા આ આસપાસે છતાંયે
એકે ચહેરો મને એ રાતદિન કાં લૂંટે છે?

આમ સંબંધ રાખું, તેમ સંબંધ તૂટે
સમ નથી જિંદગીમાં કેમ નીચે-ઊંચે છે?

હોય અસ્તિત્વ એનું હોય અસ્તિત્વ મારું
બેઉ વચ્ચે વહેતું આ જીવન કેમ રુએ છે?

હોય ઈશ્વર સમું કૈં એમ ‘યોસેફ’ ક્યાં છે?
કેમ સુણતો નથી એ ફરજ શાને ચૂકે છે?

૧૯૯૭


0 comments


Leave comment