63 - મનાલીની પહાડીઓમાંથી જતાં / યોસેફ મેકવાન
પહાડોની રુક્ષતા બધી ઢાંક્યાં કરે છે વૃક્ષ,
વરસાદનીયે આબરૂ રાખ્યાં કરે છે વૃક્ષ !
એવું હશે રહસ્ય શું આ આભમાં ભર્યું?
ઊંચાં થઈ થઈ બધાં તાક્યાં કરે છે વૃક્ષ !
છે રક્ત મારું લાલ ને છે પાન તો લીલાં,
સ્વજન સમાન તોય કાં લાગ્યાં કરે છે વૃક્ષ?
તૂટી પડે, કપાય ને ઊખડી જતાં છતાં
યુગોથી ક્યાંક પહોંચવા ચાલ્યા કરે છે વૃક્ષ.
‘યોસેફ', મુજ હયાતીનો અનુવાદ આ થયો !
છે અર્થપૂર્ણ વ્યર્થતા, ભાળ્યાં કરે છે વૃક્ષ !
૧૯૯૮
0 comments
Leave comment