64 - હું... તમે... ને આ બધાં / યોસેફ મેકવાન


બ્રહ્માંડનો તૃણ ખંડ છીએ, હું, તમે ને આ બધાં
પણ જબરદસ્ત અંશ છીએ, હું, તમ ને આ બધાં.

આ કાળ શો જીવ્યા કરે છે શ્વાસમાં સળવળ થતો
એ કાળ માટે મંચ છીએ, હું, તમે ને આ બધાં.

અંધાર શું? શું ચાંદની? ચગળ્યા કરીએ બેઉને
રે હંસ કેવા હંસ છીએ, હું તમે ને આ બધાં.

‘છે સમજ’ એવી સમજનો શિકાર થૈને જીવવું
એ વેદનાનો દંશ છીએ, હું, તમે ને આ બધાં.

ઈશ્વર વિશેના ખ્યાલનાં શિલ્પો ભલે કોર્યાં કરો
પણ અંતરે સાશંક છીએ, હું, તમે ને આ બધાં.

નરનારના અદ્વૈતમાં ‘યોસેફ' જાણ્યું તથ્ય મેં
એના વિના તો રંક છીએ, હું તમે ને આ બધાં.

૧૯૯૮


0 comments


Leave comment