66 - આંખો મહીં / યોસેફ મેકવાન


ધાર્યું નહોતું તોય તે પળપળ ઊગી ગયાં
આંખોમહીં ફણગાઈને મૃગજળ ઊગી ગયાં.

વાતાવરણ તો ખુશનુમા વ્યાપી રહ્યું હતું
ત્યાં માવઠાનાં ક્યાંથી આ વાદળ ઊગી ગયા?

આ એમના સંબંધની જીવતી નિશાની છે,
મારી નજરની ડાળ પર ઝાકળ ઊગી ગયાં.

આ પેનમાંની શાહી તો છે વિશ્વની નદી,
એને તટે વૃક્ષો નહીં, કાગળ ઊગી ગયા.

એની હયાતી કાળથી ના થૈ શકી સહન
‘યૉસેફ' એકલતાતણા બાવળ ઊગી ગયા.

૧૯૯૯


0 comments


Leave comment