68 - આપણે... આપણું / યોસેફ મેકવાન
શબ્દને સમજ્યા વિના શણગારતા
આપણે આ હાથ શામાં નાખતા?
વિશ્વ આખું આજ લાક્ષાગૃહ છે !
કોણ છે એ લોક તણખા પાડતા?
છે કપાસી પોલ જેવાં સુખ બધાં,
અશ્રુજલથી સાવ ભારે થૈ જતાં!
બુદ્ધિથી વિજ્ઞાન આગળ જાય છે
લોક ત્યાં ને ત્યાં જ ઊભા ચાલતા.
ધર્મના ઈશ્વર તને પડકાર છે
કેમ તારા હાથ કશું ના ખાળતા?
આપણુંયે આ જગતમાં છેય શું?
એટલે ‘યોસેફ' જીવ ના બાળતા.
૧૯૯૮
0 comments
Leave comment