69 - આ વ્યાકરણને / યોસેફ મેકવાન


આ રૂઢ વાણી તો હવે જીભનો લિબાસ છે,
દોસ્તો, જમાનાને નવી ભાષાની પ્યાસ છે.

વહેવારનું જે ગદ્ય છે, જડબેસલાક છે,
-ને પ્રેમના ગીતમાં ફિક્કી મીઠાશ છે.

છે વ્હેણ વાક્યોનું ‘સમજ’ એમાં તણાય છે,
શબ્દોની હત્યા થાય છે, અર્થો ઉદાસ છે.

દુઃખો અવિકારી વિશેષણ શાં અહીં સતત,
આ આપણો તો આદિથી એ જ ઇતિહાસ છે.

સૌ સર્વનામો આગિયા જેવાં રહ્યાં સદા
વિશેષ નામોનોય તે ઝાંખો ઉજાસ છે.

સત્તાનું વ્યાકરણ સૌનું અલગ અલગ
એનાં વિચિત્ર જોડણી-સન્ધિ-સમાસ છે.

આ વ્યાકરણને કોઈ તો બદલો ભલા હવે –
‘યોસેફ' એની યાતના, એનો જ ત્રાસ છે!

૧૯૯૮


0 comments


Leave comment