71 - કવિશ્રી કલાપીને જન્મ શતાબ્દીએ અર્પણ / યોસેફ મેકવાન
પેદા થયો છું ઢૂંઢવા તુંને સનમ, મારી સનમ,
તું ધારણાઓથી વધારે છે સનમ, મારી સનમ.
હું ચીતરેલા ઝાડશો, તારું સ્મરણ જ્યાં નીતરે,
તું છમ્મલીલો ત્યાં બનાવી દે સનમ, મારી સનમ.
આ ઝાંઝવા જેવા સમયને તટ જમાનો છે ઊભો,
થૈ સુરભિ શીતલ તું જ સ્પર્શી લે સનમ, મારી સનમ.
આ જિંદગી સાયુજયના ઉલ્લાસનું એક પર્વ છે,
એની ધબક જે અંતરે છે એ સનમ, મારી સનમ.
હું ક્યાં સુધી બંધાઈ રહ્યું ‘યૉસેફ' આ શ્વાસોમહીં,
લે, સંગ તારી આવું છું હું હે સનમ, મારી સનમ.
૧૯૯૯
0 comments
Leave comment