72 - હું... છું.... / યોસેફ મેકવાન


વીંધાયેલા એ કૌંચની હું આહ છું,
હર દિલમહીં એ દર્દની દરગાહ છું.

સાહચર્યમાં હું દિવ્ય કોઈ મ્હેક છું,
પણ વિરહમાં રિક્તતાનો દાહ છું.

તું એ જ લયલાનું છુપાયું રૂપ છે,
હું એ જ મજનૂની પછી નિગાહ છું.

અસ્તિત્વનો બસ સાર જોયો આટલોઃ
કેડી હતો હું કાલ, આજે રાહ છું.

‘યોસેફ’ છો ને માનવીનાં કુળ જુદાં –
હું ચાહનામાં જે વસી એ ચાહ છું.

૧૯૯૯


0 comments


Leave comment